SAMVEDANASAMVEDANA
સંવેદના
મધ્યાહને સૂરજ આથમી ગયો, પૂનમનો ચાંદ એનાં ઓજસ પાથરે એ પહેલાં ગ્રહણ આપી ગયો, એક કળી ફૂલ બને એ પહેલાં મુરઝાઈ ગઈ.... આવી કંઈક કણીકાઓ સાંભળી હતી, વાંચી હતી એ જ મારી જિંદગીની વાસ્તવિકતા બનીને સામે આવશે તેની કલ્પના કરી નહોતી.
તા. ૦૪.૦૭.૧૯૮૬ સંવત.ર૦૪ર જેઠ વદ તેરસ, શુક્રવાર રાત્રિના ૧૧.૦ર મિનિટે 'માં' હોસ્પિટલ ગાંધીનગર ખાતે એનું આગમન થયું અને શંકરલાલ ઉર્ફે રસિકલાલ વિશ્વનાથ પંડયાના પરિવારમાં હર્ષોલ્લાસ અને આનંદનાં મોજાં ઉછળ્યાં. આ ખુશીની ઘટનાને તેમજ વ્હાલસોયાને જોવા માટે પરિવારના સભ્યો જે કોઈ સાધન મળ્યું તેમાં બેસીને આવી ગયા, મારાં પત્ની નીરૂબેન પંડયા સ્વભાવે રમૂજી હોઈને ડૅાકટરને પૂછવા લાગ્યાં '' મારા જેવો કાળો કલર તો નહીં થાય ને !'' પ્રત્યુત્તરમાં ડૅાકટરે કહયું કે હિરા જેવો થશે અને તારી સાથે હશે ત્યારે લોકો પૂછશે કે આ તારો દિકરો છે ! આમ જન્મથી જ એક આગવી પ્રતિભા સંપાદન કરી સગાસંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો, સ્નેહીઓ, આપ્તજનો તેમજ પરિવારના સભ્યોની ખૂબ લાગણી પ્રેમમાં એનો ઉછેર થયો. એની માતા ખૂબ જ શોખીન અને કલાજીવ હતી જેનો વારસો એને મળ્યો. બાળપણથી જ પોતે પોતાની પસંદગી, દ્રઢ નિશ્ચય અને બાળ સહજ સ્વભાવના તમામ ગુણોથી સંપન્ન થયો. એના ઉછેરમાં મારા બહેનોનો તેમજ ભાઈઓનો વિશેષ ફાળો રહયો છે અને ખાસ કરીને મારાથી મોટાં ઉષા બહેન કે જેઓએ ''માં'' જેવી ફરજો સ્વયં સ્વીકારીને એનાં ઉછેરમાં આગવી ભૂમિકા આપી છે. પૂજ્ય શંકરલાલ દાદાએ એના જન્મની સાથે જ રાશી જોવડાવીને એનું નામ ''વત્સલ'' આપ્યું. ઘણા મિત્રોએ કહયું કે આટલું સુંદર નામ કયાંથી લાવ્યા. મારો જવાબ હતો ''દાદાની બક્ષિાશ છે ''. નામની સાથે જ નામમાં રહેલ ભાવાર્થ, લાગણી, પ્રેમ એના જીવનનો ભાગ બની ગયો. ''એના'' બાળપણથી યુવાવસ્થા સુધીના પ્રવેશ દરમિયાન એના રડવાનો અવાજ કયારેય સાંભળ્યો નથી !!!
શાળામાં દાખલ થતી વેળાએ દાદાએ અનેક સૂચનો આપ્યાં હતાં જે પૈકી તેઓ કહેતા કે શાળાએ જવા માટે 'એને' રડાવશો નહિ !!! લાગણીની એ પરાકાષ્ઠા બતાવી.
માઉન્ટ કાર્મેલ સ્કૂલ, ગાંધીનગર ખાતે 'એને' દાખલ કર્યો અને પ્રથમથી જ શાળાની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ કર્યું અને શાળામાં પ્રિયપાત્ર બન્યો જે એની છબીઓમાં પરાવર્તિત થાય છે. શાળા કક્ષાએથી જ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ માટે એડમિશન લીધું પરંતુ એના ક્રિકેટ માટેના વિશેષ પ્રેમને ખાતર સ્વિમિંગ માટેની તાલિમ થઈ ન શકી, એ જ કદાચ અંતમાં ઘાતક બની !!!
માઉન્ટ કાર્મેલમાંથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ક્રિકેટના કારણે જ બદલાવ લીધો. ક્રિકેટના વિવિધ કેમ્પ, ટુર્નામેન્ટ-રાજ્ય કક્ષાએ તેમજ આંતરરાજ્યમાં - વિજયવાડા હૈદ્રાબાદ - ખાતે આગવું પ્રદાન આપ્યું અને વિવિધ ઈનામો, પ્રમાણપત્રો, મેમેન્ટોની હારમાળા સર્જી જે એના વિવિધ ફોટાઓમાં પ્રતિબિંબિત થાય છે.
ક્રિકેટ રમવાની સાથે શિક્ષાણમાં પણ મોખરે રહયો અને સમગ્ર અભ્યાસકાળ દરમિયાન ડિસ્ટિંકશન ઉપર ગુણ મેળવીને રમવાનું અને ભણવાનું સાથે થઈ શકે છે એનું એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડયું તેથી જ એચ.એલ.કોલેજ ઓફ કોમર્સ અમદાવાદના પ્રિન્સીપાલશ્રીએ અમો માતપિતાને રૂબરૂ બોલાવીને કહયું હતું કે રમવા અને ભણવાનો સંયોગ આટલો સુંદર હોય એવું ભાગ્યેજ બને. અમારા માટે આચાર્યશ્રીનાં આવાં વચનો પ્રોત્સાહક અને આશીર્વાદરૂપ રહયાં.
ધો. ૧૦ પછી વિજ્ઞાનપ્રવાહમાં એને દાખલ કરવાની મારી ઈચ્છા હતી પરંતુ એના ક્રિકેટ પ્રેમને વશ થઈને વાણિજય એટલે કે કોમર્સ પ્રવાહમાં એમ.બી.પટેલ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ગાંધીનગર ખાતે એડમિશન લીધું. ત્યાં પણ ક્રિકેટ ટીમ બનાવી અને પોતાની કેપ્ટનશીપ હેઠળ સતત બે વર્ષ ચેમ્પીયન બનીને સ્કૂલમાં કાયમી ટ્રોફી અપાવી જે આજે પણ મોજુદ છે.
એમ. બી. પટેલ સ્કુલ સાથેનો પ્રસંગ પણ પ્રેરણાદાયી છે કારણ શ્રીમતિ હંસાબેન ઉપાધ્યાય કે જેઓ માઉન્ટ કાર્મેલ સ્કૂલનાં પ્રાથમિક વિભાગના શિક્ષાક હતાં ત્યારે 'એ' દાખલ થયેલો અને જયારે ધોરણ ૧૧-૧ર માં પ્રવેશ લીધો ત્યારે શ્રીમતિ ઉપાધ્યાય એમ.બી.પટેલ સ્કૂલમાં પ્રિન્સીપાલ હતાં. બાળજીવનમાં શાળાની પ્રાથમિક કક્ષા અને શાળા જીવન પૂર્ણ થવામાં ઉચ્ચત્તર ધોરણ એટલે કે યુવા કક્ષામાં પ્રવેશ ખૂબ મહત્વનાં છે જેની અસર બાળમાનસથી લઈને જિંદગીનાં તમામ સોપાન ઉપર અંકિત થાય છે. આ બન્ને કક્ષાએ જયારે ગુરૂદેવ એક જ હોય એ પણ અનોખી ઘટના છે. મારા દીકરાએ એક વિદ્યાર્થી તરીકે શું મેળવ્યું અને એક શિક્ષાક-વિદ્યાર્થી વચ્ચેનો ગુરૂશિષ્ય સંબંધ કેવો હોય છે તેની પ્રતીતિ માનનીય શ્રીમતિ હંસાબેન ઉપાધ્યાય અને ડૉ. શ્રીમતિ વર્ષાબેન પારેખે વ્યકત કરેલ લેખીત લાગણીથી થાય છે જે આ સાથે સામેલ કરેલ છે અને ત્યારે હું અનુભવું છું કે સંસ્કારસિંચન એનામાં સ્વયંભૂ હતાં. શિસ્તપાલન આપમેળે વણી લીધું હતું. ઘરે આવતા વડીલો - મોટાઓની આમન્યા-અદબ જાળવવી તેમજ આશીર્વચન મેળવવા તે એના માટે ખૂબજ સહજ હતું.
સ્કૂલકાળ પૂર્ણ કરીને પ્રથમથી જ દ્રઢ-નિશ્ચય કરેલ કે ગુજરાતની કોમર્સની શ્નેષ્ઠ કોલેજ - એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ અમદાવાદ-માં પ્રવેશ લેવો અને તે જ પ્રમાણે એચ.એલ.કોલેજમાં દાખલ થયેલ. અહીંયાં પણ ભણવાની સાથે ક્રિકેટ રમીને ઈનામો-પ્રમાણપત્રો મેળવ્યાં સાથે સાથે બી.કોમ ડીસ્ટીંકશન સાથે પાસ કર્યુ, એમ.બી.એ. કરવાની પ્રબળ ઈચ્છા અને નિશ્ચિત કરેલ કોલેજમાંથી જ કરવું તે પણ સાકાર કર્યુ અને જીવનના વ્યાવસાયિક તબકકામાં પ્રવેશ મેળવવા માટેની કારકીર્દી સંપન્ન કરી.
વર્ષ - ર૦૧૦ (રપ/ર/ર૦૧૦) માં વડોદરા ખાતે પ્રથમ નોકરી મેળવી જયાં મારા નાનાભાઈ જયેશના ઘરે રહયો, તેના કાકા-કાકી એ દીકરાથી પણ વિશેષ ચાહયો, ત્યાં ચાર માસ જેટલો સમય પસાર કરીને સી.એફ.પી. (C.F.P) ની અંતિમ પરીક્ષા આપવાની હોવાથી જરૂરી રજાઓ મળશે નહિં તેમ જણાવતાં ૬, જૂલાઈ ર૦૧૦ એ રાજીનામું મૂકીને ગાંધીનગર ખાતે પરત ફરેલ. ત્યારબાદ અમદાવાદથી જ મુંબઈની કંપની માટે પસંદગી પામ્યો. ગાંધીનગરના ઘરેથી ગુજરાત બહાર જવા માટેનો આ પ્રથમ પ્રસંગ હતો પરંતુ એનો અભ્યાસ, એની આવડત અને એની કારકીર્દી બને એવા હેતુથી મનના દ્વારને ખુલ્લાં મૂકયાં. મુંબઈ ખાતે મારા ફોઈની દીકરી શકુંતલાબેન યોગેશચંદ્ર પંડયા ના ઘરે રહયો જેઓ એ પણ તેને ખૂબ પ્રેમ આપ્યો અને દીકરાનું સ્થાન આપ્યું અને તેથી જ મુંબઈ એના હ્લદય માં વસ્યું હતું. નોકરી બદલવા માટે મુંબઈને પ્રથમ પસંદગી આપી હતી.... ! મુંબઈમાં દસ મહિના જેટલો સમય Freedom Financial Planners (૬-સપ્ટે. ર૦૧૦ થી ૩૧ મે, ર૦૧૧) કંપનીમાં રહયો જયાં ખૂબ જ પ્રેમ જીત્યો. મુંબઈમાં ડેલોઈટ કંપની માટે ઈન્ટરવ્યુ આપ્યું અને મોટી હરિફાઈ વચ્ચે પસંદગી પામીને હૈદ્રાબાદ ખાતેની ડેલોઈટ ઓફિસમાં ર૭મી જુન ર૦૧૧માં હાજર થયો. આ તમામ નોકરીની પસંદગી પોતાના આત્મવિશ્વાસથી જ મેળવેલી.
વાસ્તવિક રીતે ડેલોઈટ કંપની મલ્ટીનેશનલ હોવાના નાતે એને હૈદ્રાબાદ ખાતે આપવામાં આવેલ પોસ્ટિંગમાં અમોએ સમર્થન આપેલું. દરમિયાનમાં એના માતુશ્રીની તબિયત અસ્વસ્થ રહેતી ત્યારે પણ અમોએ વિચાર્યું કે એના કેરિયરમાં કોઈ બાધ આવે તેવી વાત કરવી નહિં અને એની પ્રગતિ થાય તે માટે તમામ પ્રયત્નો કરવા.
એના જીવનમાં એની માતાની ભૂમિકા એક - Friend, Philosopher, Guide - તરીકે રહેલ એની કાળજી યોગ્ય રીતે લેવાય એવા હેતુથી તેની માતાએ લગભગ પાંચ વર્ષ પહેલા સરકારી સેવાઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને એના દરેક કાર્યોમાં પોતે સહભાગી બન્યાં સમગ્રજીવન ખૂબજ ચીવટથી વિતાવ્યું તેમજ કલાજીવ તરીકે ઘરની સજાવટ જિંદગીનાં અંતભાગ સુધી કરી. સમગ્ર પરિવારમાં સતત લાગણીસભર સેતુ બનીને રહયાં. દીકરાની તમામ પ્રવૃત્તિઓમાં પોતાના જીવનને જોડી દીધુ અને ધબકતું રાખ્યું તેથી જ જ્યારે એની માતુશ્રીની તબિયત વધારે લથડવા માંડી ત્યારે હૈદ્રાબાદ ઓફિસમાં વર્ષ ર૦૧રમાં એટલે કે માત્ર એક વર્ષના ગાળામાં રાજીનામું મૂકવાની વાત કરી ત્યારે ઓથોરીટીએ ખાસ બેઠક યોજીને કોઈપણ સંજોગોમાં વત્સલને જવા ન દેવો તેમજ ‘વર્ક ફ્રોમ હોમ ઓપ્શન’ આપીને જેટલી રજા જોઈએ એટલી આપવી-એ બતાવે છે કે આટલા ટૂંકા સમયમાં કંપની સાથે કામગીરી કરીને સંપાદન કરેલ એક વિશ્વાસની ઉંચાઈનો ખ્યાલ.....
આમ માતુશ્રીની તબિયતના કારણોસર હૈદ્રાબાદ છોડવું હતું તે છૂટી ન શકયું. સમય પસાર થતો ગયો અને તા. ૧૪ માર્ચ ર૦૧૩ ના રોજ એની માતાએ અંતિમ શ્વાસ લીધા. આ ઘટના વખતે મારી વ્યથા એની આંખ સામે લાવવા દીધી ન હતી કારણ કે હું જાણતો હતો કે આ આઘાતને 'વત્સલ' કઈ રીતે સહી શકશે. પરંતુ એને ખૂબ પરિપકવતા દાખવી. આ પ્રસંગ પછી મારા માટે એ ખૂબ ચિંતિત રહેતો તેમજ હૈદ્રાબાદ છોડવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા, પણ ફરીથી એના કેરિયર માટેની વાત ફરીને ફરી માનસ પટ પર છવાતી રહી અને સામેથી મારા પ્રયત્નો એવા રહયા કે હાલમાં જેમ ચાલે છે તેમ ચાલવા દો !
એનો મિત્ર માટેનો ભાવ ખૂબજ અનેરો હતો. સાથે સાથે પોતાના ડ્રેસિંગ માટેની ચીવટ અને શોખ એટલો હતો કે મોટા ભાગના મિત્રો ખરીદીના પ્રસંગોમાં પોતાની સાથે રાખતા. આજ કારણોથી ડેલોઈટ કંપનીમાં નોકરીની સાથે કલ્ચરલ એકટીવીટીઝ, ફેશન પરેડ વિગેરેમાં ભાગ લઈને મિત્રોમાં તેમજ કંપનીમાં વિશિષ્ટ પ્રેમ સંપાદન કર્યો.
એની પસંદીનાં લગ્ન કર્યા - ૪ ફેબ્રુઆરી ર૦૧૪. ત્યાર પછી તરત જ ઈન્ડોનેશિયા - બાલી ખાતે ફરવા માટે ગયો. આવીને તરત હૈદ્રાબાદ ખાતે રવાના થયો. ૧૪, માર્ચ ર૦૧૪ એની માતાની પ્રથમ પૂણ્યતીથિએ હાજર રહયો. એનાં પત્ની સોનિકા પણ દિલ્હીથી આવ્યાં અને બન્ને સાથે ૧૭, માર્ચ ર૦૧૪ ના રોજ હૈદ્રાબાદ ખાતે પરત થયાં.
કંપનીએ બન્નેની માગણીથી દિલ્હી ખાતે તા. ૯ જુન ર૦૧૪ થી પોસ્ટિંગ આપ્યું હતું. આથી હું મારો ભાઈ, એમના પત્ની અને નાની બહેન-બનેવી હૈદ્રાબાદ ખાતે મુલાકાત કરવી એવા આશયથી તા. ૬ મે, ર૦૧૪ થી ૧ર મે, ર૦૧૪ બેંગ્લોર મારા ભત્રીજા પાસે અને ત્યાંથી તા. ૧૩ મે થી ૧૮ મે, ર૦૧૪ હૈદ્રાબાદ ખાતે જવા - રહેવાનું નકકી થયું. અમારો પ્રવાસ ૧૮ મે, ર૦૧૪ ના રોજ પૂર્ણ થતાં અમોને હૈદ્રાબાદ એરપોર્ટ ખાતે મૂકવા માટે આવેલ, જે મુલાકાત અંતિમ હશે એવી કયાં ખબર હતી !!!
તા. ૩૧ મે, ર૦૧૪ સવારના ૩.૩૦ કલાકે એના મિત્રો સાથે કુંતલા વોટરફોલ જે હૈદ્રાબાદથી ૩૦૦ કીલોમીટર દૂર છે ત્યાં ઉજાણી કરવા અર્થે ગયા અને સવારના ૮ વાગે પગ લપસી જતાં ઉંડા ખાડામાં પાણીમાં ડૂબી ગયો. વિચિત્રતા એવી છે કે જેને નર્મદા નદી કિનારો જોયો છે, મુંબઈનો સાગર જોયો છે તેમજ વિવિધ જગ્યાઓ પરના વિશાળ સરોવરમાં બોટિંગની મઝા માણી છે 'એને' એક ખાડામાં પોતાની જિંદગીગુમાવી દીધી. આ એક અસહય ઘટના એવી રીતે આવી કે જિંદગીને ભાંગી નાખી. તા. ૩૧ મે, ર૦૧૪ ના રોજ એના પત્ની સોનિકાની નજર સામે બનેલ ઘટનાની કરુણતા માટે કોઈ શબ્દો નથી. એના કલ્પાંતના પડઘા હજુ સુધી શમ્યા નથી.
એના અસંખ્ય મિત્રોનો ભાવ, સંદેશાઓ એને માટેની લાગણીનો અનુભવ કરાવી ગયો. ડેલોઈટ કંપની તેમજ હૈદ્રાબાદ ખાતેના મિત્રો, પરિચિતોએ વ્યકત કરેલ લેખિત લાગણીઓ હૃદય સ્પર્શી છે. જેમાં પિયુષ, આશિષ દાદા, નવિન પસાલા, પારૂલ, શ્રીમતી હંસાબેન ઉપાધ્યાય, ડૉ. શ્રીમતી વર્ષાબેન પારેખ વિગેરેની ભાવના જયારે વાંચુ છું ત્યારે હૃદય દ્રવી ઉઠે છે અને હંમેશ અનુભવું છું કે ''He was Son of All'' .......
એનો 'ડેડી' માટેનો ભાવ અસ્ખલિત રહયો છે. મારી ૩૦ જૂન, ર૦૧ર ની નિવૃતિના દિવસે હૈદ્રાબાદથી એ ખાસ આવ્યો અને મારા હાથમાં પત્ર સ્વરૂપે એની લાગણી વ્યકત કરી જેનો સમાવેશ આ સાથે કરેલ છે. પત્રની છેલ્લી બે લાઈન જોઈએ તો એમાં લખે છે કે '' ...પ્રભુ તમને જીંદગીનાં ગૂઢ રહસ્યો સહન કરવાની શકિત આપે'' કેવા સંજોગોમાં આ લાગણી વ્યકત થઈ હશે. એ સમજાતું નથી. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવા મન માનતું નથી. પરમ શક્તિ સામે અનેક પ્રશ્નો ઉદ્દભવે છે જેના કોઈ ઉત્તર મળતા નથી અને અવસ્થામાં કોઈ ફરક પડતો નથી.
એની યાદો અવિરત છે. ઘરમાં કે ઘરની બહાર જયાં જયાં નજર ફરે છે ત્યારે તેના અસ્તિત્વની પ્રતીતિ સતત થાય છે. ખેર! મનનાં સમાધાન માટે બે જુદી વાત કરી લઈએ છીએ પણ એક સર્જાયેલ ખાલીપો કદી દૂર થઈ શકશે નહીં.
ક્રિકેટની રસિકતા હતી ત્યારે વિજયવાડા - હૈદ્રાબાદ કેન્દ્ર્રમાં આવ્યું. સારી નોકરીની શરૂઆત કરવાની થઈ ત્યારે હૈદ્રાબાદ કેન્દ્ર્ર બન્યું, જિંદગીમાં સાથીની પસંદગી હૈદ્રાબાદમાંથી જ કરી અને જે એરપોર્ટ પર ખુશીથી ઉછળતા હતા એ જ એરપોર્ટ પરથી અંતિમ સવારી લાવવી પડી. પ્રવાસનો મોટો ભાગ હંમેશા એને હવાઈ સફરમાં જ કર્યો હતો. અંતિમયાત્રામાં પણ હવાઈ સફર જ રહી.
સમય પસાર થતો જાય છે, જીવનનૈયા હાલક-ડોલક થાય છે પરંતુ જિંદગી જીવવા માટેનો ઉત્સાહ ઓસરી ગયો છે. જુન, ર૦૧ર ની નિવૃત્તિ અને ૩૧ મે, ર૦૧૪ એટલે કે લગભગ બે વર્ષના ગાળામાં જિંદગીનાં તમામ સમીકરણોનો અંત આવી ગયો. આ બન્ને અસહ્ય ઘટનાઓમાં મને મળેલો સહકાર, મારી સાથે રહેલ સહભાગીઓના તમામ નામોનો ઉલ્લેખ કરવો અશકય છે, પરંતુ તમામ પરિવારજનો, મારા ભાઈઓ, બહેનો, સ્વજનો, સંબંધીઓ, આપ્તજનો, મિત્રો, સ્નેહીઓ એ સર્વે તરફ મને આઘાતમાંથી બહાર કાઢવા માટે કરેલા પ્રયત્નો તેમજ મારી ભાવનાઓ સાથે રહેવા બદલ વંદન કરું છું, આભારની લાગણી વ્યકત કરું છું.
'યાદેં' એના અમારી સાથેના વિતાવેલા સમયની ઝાંખી છે. એની અસંખ્ય તસ્વીરો પૈકી કેટલીક આ ગ્રંથ માં સમાવી છે, જે મારા - અમારા - મારા ભાઈ, બહેનો - સ્વજનો - સ્નેહીઓ - સંબંધીઓ - મિત્રો - શુભેચ્છકો સાથે ' એની ' યાદ જીવનનો ભાગ બની છે..... મારા શેષ જીવનનો અંગ બનીને રહેશે.